
કોવિડ -19ના કેસોમાં વધારા પછી કેન્દ્રએ પાંચ રાજ્યોને વધારે કાળજી રાખવા કહ્યું છે. કેન્દ્રએ રાજ્યોને કડક દેખરેખ, અટકાયત વિસ્તારો અને RT-PCR તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો છે.
- મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચેપ દર
- 5 રાજ્યો ચિંતાનું કારણ બન્યા
- રસીકરણની ગતિ વધારવાની જરૂર: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના પાંચ રાજ્યોમાં ચેપના કેસમાં દૈનિક વધારો થવાના કારણે કોરોના વાયરસનો બીજો તબક્કો આવે તેવી શંકા થઈ રહી છે. આ સાથે, કેન્દ્રએ આ રાજ્યોને કડક દેખરેખ, અટકાયત વિસ્તારો અને આરટી-પીસીઆર તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી છે.
મહારાષ્ટ્રમાં વધતા જતા કેસો
મહારાષ્ટ્રમાં દરરોજ સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે રવિવારે રાજ્ય સરકારે પુના અને અમરાવતી જેવા જિલ્લાઓમાં સ્થાનિક લોકડાઉન અથવા પ્રતિબંધો ફરીથી લાગુ કરવાની ઉપરાંત રાજ્યભરમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર- કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબ અને મહારાષ્ટ્રની સાથે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં દૈનિક કેસોમાં વધારો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નવા કેસોમાં 85.61 ટકા આ પાંચ રાજ્યોના છે અને સાપ્તાહિક ચેપનો દર રાષ્ટ્રીય સરેરાશ 1.79 ટકા કરતા વધારે છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8.10 ટકા ચેપ દર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે લોકોને કોવિડ પ્રમાણે યોગ્ય વર્તન કરવા અને સલામતીના ધોરણોનું પાલન કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ અન્ય લોકડાઉન કરતાં પહેલા એક અઠવાડિયાથી 15 દિવસ સુધી તેનું નિરીક્ષણ કરશે. ટેલિવિઝન પર આપેલા સંદેશમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં રોગચાળો ફરી શરૂ થયો છે, પરંતુ તે બીજી તબક્કામાં છે કે નહીં, તે 8થી 15 દિવસમાં જાણી શકાશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચેપ માટે સારવાર આપવામાં આવતા લોકોની સંખ્યા રવિવારે 1,45,634 હતી, જેમાંથી 74 ટકાથી વધુ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખીને કોવિડ -19ની રસીકરણ ઝડપી બનાવવાની વિનંતી કરી છે, જ્યારે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જુદી-જુદી ચિંતાના કારણે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે.ભારત મોટા પ્રમાણમાં રોગચાળાને અંકુશમાં લાવવામાં સફળ રહ્યું છે અને મંત્રાલય મુજબ 24 કલાકમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ કોવિડ -19ના દર્દીનું મોત થયું નથી.
ભારતમાં કોવિડ-19ના આંકડાઓ....
સવારે 08:00 વાગ્યા સુધીના આંકડા મુજબ, દેશમાં રોગચાળામાં મૃત્યુઆંક વધીને 1,56,302 થઈ ગયો છે, જ્યારે ચેપને કારણે વધુ 90 લોકો મૃત્યુ પામ્યા છે. આ રોગથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 1,06,89,715 થઈ છે, જેના કારણે દેશમાં કોવિડ -19ના દર્દીઓનો ઇલાજ દર વધીને 97.25 ટકા થયો છે. તે જ સમયે, મૃત્યુ દર 1.42 ટકા છે. દેશમાં કોવિડ -19ના દર્દીઓની સંખ્યા 1.5 લાખથી નીચે છે. મંત્રાલયે કહ્યું કે, ભૂતકાળમાં, એવું જોવામાં આવ્યું છે કે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં દરરોજ સામે આવતા કેસોમાં વધારો થયો છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ દરરોજ સામે આવતા કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.પાંચ રાજ્યોના નવા કેસો 85.61 ટકા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6,281 નવા કેસ છે. આ પછી, કેરળમાં 4,650 અને કર્ણાટકમાં 490 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં મહત્તમ 40 દર્દીઓનાં મોત નીપજ્યાં છે તેમજ કેરળમાં 13 લોકોનાં મોત થયાં, જ્યારે પંજાબમાં 8 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં માત્ર એક જ રાજ્યમાં 20 થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે ફક્ત એક જ રાજ્યમાં 10 થી 20 લોકોનાં મોત થયાં છે. ચિંતાનું કારણ બનેલા પાંચ રાજ્યોને કેન્દ્રએ તપાસની સંખ્યામાં વધારો કરવાની સલાહ આપી છે. આ સાથે, મોટી સંખ્યામાં મૃત્યુનાં કેસોમાં આવતા રાજ્યોને ક્લિનિકલ મેનેજમેન્ટ પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. એક ટેલિવિઝન સંબોધનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું કે, માસ્ક પહેરો, શિસ્ત જાળવો અને સામાજિક અંતરને અનુસરો જેથી અન્ય લોકડાઉન કરવું ન પડે.
પુણે જિલ્લા વહીવટીતંત્રએ જાહેર કર્યા પ્રતિબંધો
પુણે જિલ્લા વહીવટીતંત્રે પ્રતિબંધો જાહેર કર્યા છે જેમાં લોકોને સવારે 11:00થી સવારે 6:00 વાગ્યા સુધી બિન-આવશ્યક પ્રવૃત્તિઓ માટે મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુણેના વિભાગીય કમિશનર સૌરભ રાવે પત્રકારોને જણાવ્યું હતું કે, શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ વર્ગો 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે, જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ દરરોજ રાત્રે 11:00 વાગ્યે બંધ થઈ જશે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સોમવારથી સવારે 11:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી કર્ફ્યુ શરૂ કરવામાં આવ્યો છે.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ), દિલ્હીના ડિરેક્ટરે, જણાવ્યું હતું કે "સામૂહિક પ્રતિરોધક ક્ષમતા પ્રાપ્ત કરવી ખૂબ જ મુશ્કેલ બનશે અને તે એવી બાબત છે કે જેના વિશે વ્યવહારિક દ્રષ્ટિએ વિચારવું ન જોઇએ. કારણ કે વાયરસના જુદા જુદા સ્વરૂપો અને સમય સાથે રોગપ્રતિકારક શક્તિમાં પરિવર્તન જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે જેમાં લોકોને ફરીથી ચેપ લાગી શકે છે. નિષ્ણાંતો કહે છે કે, વસ્તીના ભાગમાં સામૂહિક પ્રતિરોધક ક્ષમતા ત્યારે બને ,જ્યારે એન્ટીબોડીઝ તેમનામાં ઓછામાં ઓછા 50 થી 60 ટકા સર્વેમાં મળી આવે છે.