
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 47.84 ટકા મતદાન થયું છે. ત્યારે મતગણતરીને લઈને વડોદરાનું તંત્ર સજ્જ છે. પોલિટેકનિક કોલેજમાં મંગળવારના રોજ મતગણતરી થશે. સવારે 08:00 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. સાંજ સુધીમાં સંપુર્ણ મતગણતરીનું કાર્ય પૂર્ણ થઈ જશે. મતગણતરીમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે.
- વડોદરા મતગણતરી વ્યવસ્થા
- પોલીસ જવાનો સુરક્ષામાં રહેશે તૈનાત
- ત્રણ તબક્કામાં થશે મતગણતરી
- પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર એનાઉન્સ થશે પરિણામ
વડોદરા: મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાનારી મત ગણતરીમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ મત પત્રોની ગણતરી થશે. ત્યારબાદ જ EVMમાં કેદ ભાવી ઉમેદવારના મતની ગણતરી હાથ ધરાશે. પાલિકાના તમામ 19 વૉર્ડના ઉમેદવારોનું ભાવિ ખુલવાની પ્રાથમિક ધારણા બપોર સુધીમાં થઈ શકશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મતગણતરી કેન્દ્રમાં 8 સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયા છે અને ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરી કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. 2165 પોલીસ કર્મચારીઓ, 160 પોલીસ અધિકારીઓ, DCP, ACP, PI, PSI, 1728 હોમગાર્ડ જવાનો, SRPની 4 કંપની અને પ્લાટુન, RAF, BSF, SRPF ની એક-એક કંપની અને પેરામીલિટરી, પોલીસ, SRP મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં તૈનાત રહેશે.
ત્રણ તબક્કામાં મતગણતરી
મતગણતરી કેન્દ્રમાં ફક્ત અધિકારી, ઉમેદવારો અને ચૂંટણી એજન્ટને જ પ્રવેશ આપવામાં આવશે. મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે, તેમજ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને હેલ્થ ટીમ મતગણતરી સ્થળે તૈનાત રહેશે. મતગણતરી કેન્દ્ર પર 6 રિટર્નિંગ ઓફિસર હાજર રહેશે. RO દીઠ કુલ-12 ગણતરી રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે. ત્રણ તબક્કામાં મતગણતરી કરવામાં આવશે. સૌથી પહેલા કુલ-6 વોર્ડની મતગણતરી થશે. પ્રથમ વોર્ડ નં.1,4,7,10,13,16ની મતગણતરી ત્યારબાદ વોર્ડ-2,5,8,11,14,17ની ગણતરી તેમજ વોર્ડ-3,6,9,12,15,18ની ગણતરી થશે. વોર્ડ નં.19ની મતગણતરી સૌથી છેલ્લે કરવામાં આવશે. મતગણતરીનું પરિણામ ઓનલાઈન પણ જોઈ શકાશે.
બંને મુખ્ય રાજકીય પક્ષોમાં વિજયની આશા
આગામી પાંચ વર્ષ સુધી વડોદરા મહાનગર પાલિકાની સત્તા કોના હાથમાં રહેશે એની તમામ ગણતરી મોટા ભાગે બપોર સુધીમાં બહાર આવી જવાની શક્યતા છે. જોકે, મત ગણતરી અંગે પ્રાથમિક ટ્રેન્ડ બપોરે 12:00 વાગ્યા સુધીમાં જાણી શકાશે. કાયદાકીય રીતે વહીવટી તંત્ર દ્વારા વિજયી ઘોષિત થનારા ઉમેદવારોની વિજયી રેલી વોર્ડના આખરી પરિણામ બાદ જ નીકળશે. જોકે, મતદાન ઓછુ થતાં બંને મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો વિજયી થવાની આશા સેવી રહ્યા છે.