
ગીર સોમનાથના ઉના- કોડીનાર નેશનલ હાઇવે ઉપર ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા એક યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- ઉના- કોડીનાર નેશનલ હાઇવે પર અકસ્માત
- ઉનાથી વેરાવળ જતી વખતે યુવાનને કાળ ભેટ્યો
- એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું
ગીર સોમનાથ: શહેરના ઉના- કોડીનાર નેશનલ હાઇવે પર ઉનાથી શાળાનું કામ પૂરું કરી કારમાં વેરાવળના બે મિત્રો આવી રહ્યા હતા, ત્યારે ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા એક યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ, જ્યારે બીજા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર અર્થે પ્રથમ ઉના અને બાદમાં રાજકોટ લઇ જવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
પોલીસથી પ્રાપ્ત વિગતોનુસાર ઉના- કોડીનાર નેશનલ હાઇવે પર ઉનાથી 6 km દુર સીલોજ- નાથળ ગામ જતા રસ્તા ઉપર ઉનામાં શાળાનું કામ પતાવીને વેરાવળ તરફ કારમાં આવી રહેલા બે મિત્ર વનરાજ અશ્વીનભાઇ ગોહેલ (ઉ.વ.24), પ્રતિષ મહેન્દ્રભાઇ ગોહેલ (ઉ.વ.20) બંનેનો વેરાવળની કારને સામેથી આવતા ડમ્પર નંબર GJ 32 P 7827ના ચાલકે ઠોકરે લેતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હો. આ સમયે સ્થળ પર હાજર રાહદારી લોકોએ કારમાં રહેલા બંને મિત્રોને મહામહેનતે બહાર કાઢી ઉના હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ઘરી હતી. આ અકસ્માતમાં વનરાજનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે પ્રતિષને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ઉનાની ખાનગી હોસ્પીટલે લઇ જવામાં આવેલા હતા. જ્યાં પ્રાથમીક સારવા બાદ રાજકોટ ખાતે રીફર કરવામાં આવેલા હતા. અકસ્માતની જાણ થતા મૃતક વનરાજના પરીવારજનો ઉના દોડી આવી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને વેરાવળ લઇ ગયેલા હતા. ઉના પોલીસે ડમ્પરના ચાલક સામે અકસ્માત કરી મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધી તપાસ હાથ ઘરી છે.

એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક
અકસ્માતમાં મૃત્યુ પામેલા વનરાજ ગોહેલ આશાસ્પદ યુવક હોવાની સાથે ક્રિકેટ અને ફૂટબોલનો ખેલાડી હતો. વનરાજ તેમના વાલીના બે સંતાન પૈકીનો એકનો એક પુત્ર હતો અને તેમને નાની બહેન હતી. જેથી એકના એક આશાસ્પદ પુત્રના આકસ્મિક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયેલો હોવાનું જાણવા મળ્યું છે.