
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગઈકાલે રવિવારથી જૂનાગઢ જિલ્લાના ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે રવિવારે વિસાવદર તાલુકામાં ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ હાર્દિક પટેલ આજે સોમવારે ભેંસાણ તાલુકામાં ચૂંટણી પ્રચાર અર્થે નીકળી રહ્યા છે. રાણપુરમાં રામજી મંદિરના દર્શન કરીને હાર્દિક પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
- ભેંસાણમાં ચૂંટણી સભામાં હાર્દિકની હાજરી
- હાર્દિક પટેલે રામજી મંદિરમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ
- રાણપુરમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારના સમર્થનમાં કરી સભા
જૂનાગઢઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે સોમવારે બીજા દિવસે જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી સભાઓ કરતા જોવા મળી રહ્યા છે. ગઇકાલે રવિવારે રાત્રિના સમયે વિસાવદર તાલુકામાં હાર્દિક પટેલે ચૂંટણી સભાનું આયોજન કર્યું હતું. જેમાં શીખ સમાજના લોકો પણ હાર્દિક પટેલ સાથે મંચ પર બેઠેલા જોવા મળતા હતા, ત્યારે આજે સોમવારે ભેંસાણ તાલુકાના રાણપુર ગામે રામજી મંદિરના દર્શન કરીને હાર્દિક પટેલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર કાર્ય હાથ ધર્યું હતું. હાર્દિક પટેલ વિસાવદર ભેંસાણ તાલુકાના પાટીદાર બહુલીક જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક પર પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ગત 5 વર્ષે આ વિસ્તારમાંથી કોંગ્રેસને જિલ્લા અને તાલુકા પંચાયતમાં પર જીત મળી હતી. જેને ધ્યાને લઈને હાર્દિક પટેલ પાટીદાર બહુમતી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
રામના ચરણમાં શીશ ઝૂકાવીને ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ
ભેંસાણ તાલુકાના મેંદપરા ખાતે આવેલા રામજી મંદિરમાં હાર્દિક પટેલે ચૂંટણી સભા પૂર્વે દર્શન કર્યા હતા અને ત્યારબાદ ભેસાણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં કોંગી કાર્યકરો અને ગામ લોકોની વચ્ચે ખાટલા બેઠક જેવી ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ હાજર રહ્યા હતા. ભેંસાણ અને વિસાવદર તાલુકા પંચાયતની મોટાભાગની બેઠકો પાટીદાર મતદારો ધરાવે છે. આવા સમયે હાર્દિક પટેલે પાટીદાર મતવિસ્તારોને ધ્યાને રાખીને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાંચ વર્ષ પૂર્વે પણ જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઇ હતી, ત્યારે આ વર્ષે પણ કોંગ્રેસ ચૂંટણી જંગમાં કાઠું કાઢી શકે તેવા આયોજનની સાથે હાર્દિક પટેલને પાટીદાર બહુમતી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકમાં પ્રચાર કરવા માટે કોંગી હાઈ કમાન્ડે મોકલ્યા છે. જેનો ફાયદો આગામી મતદાનના દિવસે કોંગ્રેસને થઈ શકે તેને ધ્યાને રાખીને કોંગ્રેસે ચૂંટણી પ્રચારની રણનીતિ બનાવી છે. જેમાં હાર્દિક પટેલને જૂનાગઢ જિલ્લાના પાટીદાર બહુમતી જિલ્લા અને તાલુકાની બેઠકો પર પ્રચાર અર્થે મોકલવાનું નક્કી કરતાં હાર્દિક પટેલ ગઈકાલે રવિવારથી જૂનાગઢ જિલ્લાની પાટીદાર બેઠકો પર ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.