
પાટણ જિલ્લાના જુના ગંજ બજારમાં આવેલી હાર્ડવેરની દુકાનની વખારમાં મંગળવારે સાંજના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દોડધામ તથા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. પાલિકાના ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જો કે આગથી અંદાજે 70,000 રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
- સાંજના સમયે દુકાનમાં લાગી એકાએક આગ
- અન્ય દુકાનદારોના જીવ થયા અધ્ધર
- આગથી અંદાજે 70 હજારનું નુકસાન થયુ
પાટણઃ જિલ્લાના પાટણ શહેરના હાર્દસમાં જુનાગંજ બજારમાં આવેલી એક વખારમાં રીપેરીંગનું કામ ચાલતું હતું અને બિલ્ડર દ્વારા વેલ્ડીંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાના થોડા સમય બાદ જોતજોતામાં વખારમાં પડેલા ખાટલાઓ માટેના દોરડાનો જથ્થો, દોરડાનો જથ્થો, પીપળા સહિત લાકડું અને હાર્ડવેરની ચીજ-વસ્તુઓને લપેટમાં લેતાં આગ વધુ પ્રસરી હતી અને નીચેના તેમજ ઉપરના માળને પણ આગે લપેટમાં લીધો હતો.

નગરપાલિકાના ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબુ
વાહન વ્યવહાર અને શહેરીજનોની ચહલપહલથી ધમધમતા આ વિસ્તારમાં લાગેલી આગથી ભારે અફડાતફડી મચી હતી. જ્યારે નજીકના દુકાનદારોના જીવ પણ અધ્ધર થયા હતા. પાટણ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરાતા તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગથી અંદાજે 70,000 રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.