
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં પોરબંદર છાંયા નગરપાલિકામાં એક જ પરિવારના બે સદસ્યોએ અલગ અલગ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા મતદારો દ્વિધામાં મૂકાયા છે. જેમાં ભાજપ તરફથી ભાભીએ અને કોંગ્રેસ તરફથી દિયરે ઉમેદવારી નોંધાવી છે.
- એક જ ઘરમાં બે અલગ વિચારધારા
- લોકોમાં દ્વિધા વ્યક્તિ જોઈને મત આપવો કે પક્ષ જોઈને
- બન્ને દ્વારા સભાઓ અને ડોર ટૂ ડોર પ્રચાર શરૂ
પોરબંદર : સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે, ત્યારે મત કોને આપવો તે અંગે મતદારો ઘણા વૉર્ડમાં અસમંજસમાં મૂકાઇ ગઇ છે. જો વાત કરીએ પોરબંદર છાંયા નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં એક જ પરિવારના બે સભ્યો અલગ અલગ પક્ષમાંથી ઉમેદવારી નોંધાઇ હતી. જેમાં દિયર કોંગ્રેસમાંથી અને તેમના ભાભીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ વાતને લઈને હવે મત વ્યક્તિ જોઈને આપવો કે પક્ષ જોઈને મતદારો પણ આ બાબતે મુશ્કેલીમાં મૂકાયા છે.
ભાજપ વિકાસની વાત લઇને લોકો સમક્ષ જશે
પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાના વૉર્ડ નંબર એકમાંથી ભાજપના ઉમેદવાર પાયલ બાપોદરા છે. તેમના પતિ અજય બાપોદરા ભાજપમાં યુવા મોર્ચાના પ્રમુખ હતા અને તેમને જણાવ્યું હતું કે, વ્યક્તિ નહીં પરંતુ પક્ષની વાત લઈને અમે લોકો સમક્ષ જશો અને વિકાસના કાર્યો જેટલા કર્યા છે, તે બાબતે વિકાસ કાર્યો લોકો સમક્ષ જણાવી મત માંગશું.

વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને વિલંબની વાત લઈ કોંગ્રેસ લોકો સમક્ષ જશે
પોરબંદર છાંયા નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે દિયરની પસંદગી કરવામાં આવી છે. વિજય બાપોદરાના જણાવ્યાં અનુસાર તેમને ભાજપના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને અનેક લોકોના કાર્યોમાં વિલંબથી થવાનો આક્ષેપ કરી આ બાબતે લોકો પાસેથી મત માંગશે, તેમ જણાવ્યું હતું. હવે જોવાનું રહ્યું કે, લોકો પક્ષ જોઈને મત આપશે કે વ્યક્તિને જોઈને.
