
સુરતમાં કોરોનાએ ફરી એક વખત માથુ ઉચકતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થયાં બાદ ફરી પ્રતિદિન સુરતમાં 45 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. જે કારણે તંત્રની દોડધામમાં વધારો થયો છે, જેના પગલે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા પણ રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
- સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો
- સુરતમાં પ્રતિદિવસ કોરોનાના 40થી 45 કેસ નોંધાઇ રહ્યાં છે
- કોરોના ટેસ્ટિંની કામગીરી પણ વધારો કરાયો
સુરત : શહેરમાં વધી રહેલા ફરી કોરોનાના કેસોને લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત ટોલનાકા અને ચેકપોસ્ટ પર પણ પાલિકાએ ટીમ વધારી ટેસ્ટિંગની કામગીરીમાં વધારો કરી દીધો છે. જ્યાં સુરતમાં પ્રતિદિવસ 8 હજારથી પણ વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.
પાલિકા દ્વારા 245 વિસ્તારોને કન્ટેનમેન્ટ અને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યાં
સુરત શહેરમાં પહેલા કરતા કોરોનાના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે. સુરતમાં પ્રતિદિવસ કોરોનાના 40થી 45 કેસ નોંધાઇ રહ્યાં છે. જેના કારણે તંત્રની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે. પાલિકા દ્વારા 245 વિસ્તારોને કન્ટેનમેન્ટ અને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં 15 હજારથી વધુ લોકો ક્લસ્ટર વિસ્તારમાં છે. આ સિવાય મહારાષ્ટ્રમાં ઉદ્દભવેલી કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેતા પાલિકાએ તમામ ટોલનાકા, ચેકપોસ્ટ, એરપોર્ટ, બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન પર ટીમ વધારી કોરોના ટેસ્ટિંની કામગીરી પણ વધારો કર્યો છે. પાલિકા તરફથી બહારથી આવતા લોકોની કોન્ટેક ટ્રેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રતિદિવસ હાલ 8 હજારથી વધુ ટેસ્ટિંગ
સુરતમાં પ્રતિદિવસ હાલ 8 હજારથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. એક કરતાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાશે તેવી સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં ક્લસ્ટર જાહેર કરવાની વાત પાલિકાએ જણાવી છે. શહેરની શાળાઓમાં પણ હાલ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરની શાળાઓમાં પણ SOPના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે અધિકારીઓને પણ ઉચ્ચ અધિકારીઓ તરફથી તપાસ કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યાં છે. એક કરતાં વધુ કેસ શાળા અથવા ટ્યૂશનમાંથી મળી આવશે, તો 14 દિવસ માટે બંધ કરવાની સૂંચના પણ મહાનગરપાલિકા તરફથી આપવામાં આવી છે. આ સાથે જો શાળાઓ દ્વારા નિયમોનું ભંગ કરવામાં આવતા હોવાનું જણાશે, તો તેવા સંજોગોમાં શાળા અને ટ્યૂશનને બંધ કરવા સુધીના પગલાં ભરવાની ચીમકી સુરત મહાનગરપાલિકાએ ઉચ્ચારી છે.
266 લોકો પાસેથી 2.66 લાખનો દંડ વસુલવામાં આવ્યો
સુરતમાં અગાઉ પ્રતિદિવસ માત્ર 20 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં હતાં, જો કે હવે દરરોજ 40થી 45 કેસ માત્ર સુરત શહેરમાં નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે સાવચેતીમાં પગલાં લેવામાં આવી રહ્યું છે. માસ્ક ન પહેરનારા લોકો સામે રૂપિયા 1 હજાર સુધીના દંડ ઉધરાવવાની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જ્યાં ગત બે દિવસ દરમિયાન સુરત મહાનગરપાલિકાએ કુલ 266 લોકો પાસેથી 2.66 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.